Technology

The Democles Sword of GCTOC on GujaratDr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar), Sanj Samachar (Rajkot) and Gujarat Samachar (London). 
ગુજરાત પર ઝળુંબતો આતંકવાદવિરોધી કાયદાનો આતંક: ડૉ.હરિ દેસાઈ
·         મોદી સરકારે મહારાષ્ટ્રની શિવસેના-ભાજપની સરકારના મકોકા જેવા વિધેયકને ૨૦૦૩માં મંજૂર કરાવ્યું હતું   
·         રાષ્ટ્રપતિ ડૉ. કલામ, પ્રતિભાતાઈ અને પ્રણવદાએ ગેરબંધારણીય જોગવાઈઓ હોવાથી મંજૂરી આપી નહોતી    
·         ૧૬ વર્ષ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીથી ખતરનાક જોગવાઈઓવાળા કાયદાને લીલી ઝંડી મળી  
·         મહારાષ્ટ્રમાં ૧૯૯૯માં અમલી બનેલા મકોકા જેવા કાયદા દિલ્હી, ઉ.પ્ર. અને હરિયાણામાં પણ લાગુ કરાયા
·    બંધારણ નિષ્ણાત કૃષ્ણકાંત વખારિયાએ નવો કાયદાને રાજકીય વિરોધીઓ સામે સત્તાના બેફામ દુરૂપયોગની શક્યતાવાળો ગણાવ્યો 

રાજહઠનું વરવું ઉદાહરણ એટલે હમણાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ થકી મત્તું મારીને ગુજરાત સરકારને અમલ માટે પાઠવેલું  ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ બિલ, ૨૦૧૫. મૂળ ૨૦૦૩માં અમલી બનાવવા ધારેલા આ વિધેયકના નવસ્વરૂપને  સોળ વર્ષના સમયગાળા પછી નવેમ્બર ૨૦૧૯ના અંતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળતાં હવે રાજ્ય સરકાર અને ગુજરાતની વડી અદાલત એના અમલના નિયમો ઘડીને ખાસ અદાલત સ્થાપશે. એ પછી જ  બંધારણના આત્માને કચડવા સમાન કેટલીક જોગવાઈઓ ધરાવતા આ કાયદાનો અમલ થશે. જોકે હજુ વિપક્ષી કોંગ્રેસ એના અમલ સામે વિરોધ કરવા અંગે કુંભકર્ણની નીંદરમાં છે; પરંતુ સિવિલ સોસાયટી અને કેટલાક બંધારણવિદોએ પ્રજાને જગાડવાનું આદર્યું હોવાથી મામલો અદાલતી સમીક્ષા માટે જાય તો અમલ વિલંબમાં પડવાની શક્યતા ખરી. વર્ષ ૨૦૦૩માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રાજ્ય વિધાનસભામાં મંજૂર કરાવેલા આવા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે કેન્દ્ર સરકારને પાઠવ્યું તો ખરું, પણ ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં પરાજયને પગલે ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીના વડપણવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની સરકાર ઘર ભેગી થઇ. કોંગ્રેસના નેતા ડૉ.મનમોહન સિંહના વડપણવાળી સંયુક્ત પ્રગતિશીલ સંગઠન (યુપીએ)ની સરકાર સત્તારૂઢ થઇ. ડૉ.સિંહની સરકાર દસ વર્ષ રહી. મોદી સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે પાઠવેલા વિધેયકને “ગેરબંધારણીય જોગવાઈઓ” ધરાવતું લેખાવીને ત્રણ-ત્રણ રાષ્ટ્રપતિએ પાછું પાઠવ્યું. મહારાષ્ટ્રની શિવસેના-ભાજપની નારાયણ રાણે સરકારે ૧૯૯૯માં સત્તા ગુમાવી એ પૂર્વે વિધાનસભા અને વિધાન પરિષદમાં મંજૂર કરાવીને કેન્દ્રમાં એ વેળાની ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારને રાષ્ટ્રપતિની મંજૂરી માટે પાઠવેલા મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ વિધેયક, ૧૯૯૯ને તત્કાળ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી, પણ એ પછી રાજ્યમાં લગાતાર ૧૫ વર્ષ સુધી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર રહી. કેન્દ્રમાં પણ દસ વર્ષ સુધી ડૉ.સિંહની સરકાર હતી. મે ૨૦૧૪માં ભાજપના વડપણવાળા એનડીએની નરેન્દ્ર મોદી સરકાર આરૂઢ થતાં ફરી ગુજરાતના પેલા કાયદાને અમલી બનાવવા માટે આશા જાગી. વર્ષ ૨૦૧૫માં જરૂરી સુધારા સાથે ફરીને ધારાસભામાં એ વિધેયકને મંજૂર કરાવાયું. આ વિધેયકને કેન્દ્રના ગૃહ અને કાયદા મંત્રાલયના અનુકૂળ પ્રતિસાદને પગલે રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે. જોકે હજુ નિયમો ઘડાય એ પછી જ એનું અમલીકરણ શક્ય બનશે.
આતંકવાદ નાથવા કાનૂન
આતંકવાદને નાથવા માટે અને સંગઠિત ગુનાઓને રોકવા કે એમાં સામેલ શખ્સોને દંડિત કરવા માટે છેક ગૃહ મંત્રી સરદાર પટેલના વખતથી પ્રિવેન્ટિવ ડિટેન્શન જેવી કાનૂની જોગવાઈઓ કરવા ઉપરાંત વિવિધ ખાસ કાયદા પણ બનાવવામાં આવ્યા હતા. આવા કાયદાઓનો શાસકોએ ઘણીવાર દુરૂપયોગ કર્યાના પ્રસંગો પણ સમયાંતરે આવતા રહ્યા છે.ઇન્દિરા ગાંધીના યુગમાં તો પ્રિવેન્ટિવ ડિટેન્શનનો ખૂબ દુરૂપયોગ પોતાના રાજકીય વિરોધીઓને કનડવા માટે પણ કરાયો હતો.આવા કાયદા બેધારી તલવાર જેવા છે.વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયગાળામાં ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ (એક્ટિવિટીઝ) એક્ટ,૧૯૮૫ સંસદમાં વિધેયક મંજૂર કરાવીને રાષ્ટ્રપતિની સંમતિથી અમલી બનાવ્યો હતો.આ કાયદાનો  પણ આતંકવાદને નામે રાજકીય વિરોધીઓ અને અન્યોને આતંકિત કરવા માટે દુરૂપયોગ થયો હતો. એની જોગવાઈઓ પણ અમાનવીય હતી. જેમકે, એ કાયદા હેઠળ પકડવામાં આવેલી વ્યક્તિને એકાદ વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય,પોલીસ અધિક્ષક કક્ષાની વ્યક્તિ સમક્ષ અપાયેલી કબૂલાત કે જુબાનીને અદાલત દ્વારા માન્ય રાખવામાં આવે ઉપરાંત પકડાયેલી વ્યક્તિને ૬૦ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખીને પરેશાન કરી શકાય. આ કાયદામાં પકડાયેલી વ્યક્તિ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ અપીલ કરી શકે.વર્ષ ૧૯૯૫ સુધી એ અમલમાં રહ્યો,પણ એ કાયદા હેઠળ પકડાયેલા લોકોમાંથી ૨૫ ટકાના ખટલા પડતા મૂકાયા હતા, ૩૫ ટકા ખટલા ચાલ્યા તો ખરા,પણ તેમાંના માત્ર ૨ ટકા જ કસૂરવાર સાબિત થયા હતા. એનો અર્થ એ થયો કે મોટાભાગના લોકો છૂટી ગયા હતા. ટાડાના સ્થાને ૨૦૦૨-૨૦૦૪ દરમિયાન પ્રિવેન્શન ઓફ ટેરરિસ્ટ એક્ટિવિટીઝ  એક્ટ આવ્યો.એ માટેનું વિધેયક રાજ્યસભામાં નામંજૂર થતાં વડાપ્રધાન વાજપેયીએ લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત સત્ર બોલાવીને એનું વિધેયક  મંજૂર કરાવવું પડ્યું હતું.વાજપેયીએ દિલ્હીમાં મકોકા અમલી બનાવ્યો અને એકાદ ધારાસભ્ય સામે પણ એને લાગુ કરાયો હતો. પોટા, ૨૦૦૨ હેઠળ તમિળ ટાયગર્સ ઇલમ (દેશ)ને ટેકો આપવા બદલ વાઈકોની ધરપકડ કરાઈ હતી. મુખ્યમંત્રી માયાવતીએ ઉત્તરપ્રદેશના બાહુબલી ધારાસભ્ય રાજાભૈયા સામે પણ આ કાયદો લગાડ્યો હતો. કાશ્મીરના ભાગલાવાદી હુર્રિયતના નેતા સૈયદ અલી ગિલાનીને પણ આ જ કાયદા હેઠળ પકડવામાં આવ્યા હતા.ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં અનુક્રમે યોગી આદિત્યનાથ અને મનોહરલાલ ખટ્ટરનું ભાજપી શાસન આવતાં જ ડિસેમ્બર ૨૦૧૭ અને ૨૦૧૫થી મહારાષ્ટ્રના મકોકા કાયદાની કાર્બનકોપી  જેવા કાયદા ઘડવામાં આવ્યા છે.
નવા કાયદાની જોગવાઈઓ
ગુજરાતમાં નવો જે કાયદો અમલમાં આવી રહ્યો છે એની ગંભીરતા સમજાવવા માટે બંધારણ નિષ્ણાત કૃષ્ણકાંત વખારિયાએ હમણાં નર્મદ-મેઘાણી લાઈબ્રેરીમાં સિવિલ સોસાયટી સમક્ષ સમજણ આપતા વ્યાખ્યાનમાં ગુરુવાર, ૫ ડિસેમ્બરે કરતાં કહ્યું હતું કે સત્તાધીશો પાસે પોતાના રાજકીય વિરોધીઓ સામે સત્તાના બેફામ દુરૂપયોગની શક્યતાવાળો નવો કાયદો આવે છે. હકીકતમાં તો કોંગ્રેસે પ્રજાને જગાડવાની જરૂર છે,પરંતુ એ પોતાની ભૂમિકા વિસારે પાડે  છે ત્યારે સિવિલ સોસાયટી આ કામ કરે એ અભિનંદનને પાત્ર છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના ધારાશાસ્ત્રી રહેલા વખારિયાનું કહેવું હતું કે આતંકવાદને નાથવાને નામે જે કાયદાઓ અગાઉ અમલી બન્યા છે એ બધા લઘુમતી કોમ માટે કનડગત કરનારા જ રહ્યા છે. નવો કાયદો અમલમાં આવે ત્યારે એ અગાઉના કાયદાઓ કરતાં પણ વધુ સખત છે એવું અનુભવાયા વગર નહીં રહે. રાજ્ય સરકાર અને વડી અદાલત જરૂરી નિયમો બનાવે  એ પછી જ કાયદાનો અમલ થઇ શકાશે.જોકે આ કાયદા હેઠળ સત્તાધીશો પોતાના રાજકીય વિરોધીઓ પર જુલમ કરે એવી પૂરી શક્યતા છે.આગોતરા જામીન આપવાની એમાં કોઈ જોગવાઈ જ નથી.સૌથી ખતરનાક જોગવાઈ તો એ છે કે આ કાયદા હેઠળ પકડાયેલી વ્યક્તિને શિરે પોતાની નિર્દોષતા સાબિત કરવાનો બોજ રહે છે.વળી, સંદેશા પકડાયા હોય કે સાક્ષી આપનારા માણસોનાં નામ  કે  ઓળખ આપ્યા વિના જ એમની સાક્ષીને ધ્યાને લેવામાં આવશે. પોલીસ અધિકારી સામે આપેલું નિવેદન અદાલત પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકશે.ચાર્જશીટ દાખલ કરવાનો સમયગાળો  પણ ૯૦ દિવસને બદલે ૧૨૦ દિવસનો રાખવાની જોગવાઈ છે.પ્રિવેન્ટિવ ડિટેન્શન માટેનો ગાળો છ મહિનાને બદલ વધારીને બે વર્ષનો કરાયો છે.  છેલ્લાં ૧૬ વર્ષથી ભાજપના મુખ્યમંત્રી અને હવેના વડાપ્રધાન મોદી આ કાયદાનો ગુજરાતમાં અમલ કરવા ઇચ્છતા હતા,પણ રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી  હજુ આ કાયદાનો ક્યારથી અમલ થશે એની  શક્યતા દર્શાવાતી નથી.
ભાજપની થિંકટેંકનું ચિંતન
ભાજપની થિંકટેંક ગણાતા વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (વીઆઇએફ) થકી કેન્દ્ર અને રાજ્યોની ભાજપ તથા મિત્ર પક્ષોની સરકારોને સલાહસૂચન કરવા અથવા તો માર્ગ ચીંધવાનું કામ કરાય છે. ત્રાસવાદ વિરોધી કાયદાઓ કરવા અંગે પણ પુણે યુનિવર્સિટીના સંરક્ષણ અને વ્યૂહાત્મક અધ્યયન વિભાગમાં ભણેલા નિષ્ણાત રામાનંદ ગર્ગનો મોનોગ્રામ બહાર પાડવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં ભારતીય ત્રાસવાદ વિરોધી કાયદાઓની છણાવટ કરવાની સાથે જ કેટલાક લોકશાહી દેશોમાં ત્રાસવાદને નાથવા માટે ભારત કરતાં પણ વધુ કડક કાયદા કરાયા હોવાનું પણ નોંધ્યું છે. સાક્ષી-પુરાવા બાબત સરકારને મોકળાશ આપવા ઉપરાંત સરકાર સામે ખટલા દાખલ કરવામાંથી મુક્તિની જોગવાઈ પણ નવા અમલમાં આવનાર કાયદામાં જોગવાઈ છે. રાજ્યભરમાં કાયદાના જાણકારો અને બુદ્ધિજીવીઓએ નવા અમલમાં આવનાર કાયદા વિશે સવેળા જનજાગરણ કરવાની જરૂર છે. અન્યથા સ્થિતિ એવી થશે કે અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત.
ઇ-મેઈલ: haridesai@gmail.com      ( લખ્યા તારીખ: ૭ ડિસેમ્બર ૨૦૧૯)


The Democles Sword of GCTOC on Gujarat The Democles Sword of GCTOC on Gujarat Reviewed by Dr.Hari Desai on December 10, 2019 Rating: 5

No comments:

Social Networks

Powered by Blogger.