Technology

Manipur Burning and Niro

 મણિપુરમાં અજંપો અને જાતિઓ વચ્ચે ટકરાવ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ @ બહુમતી મૈતેઈ વિરુદ્ધ કુકીના હિંસક ખેલ @ ડબલ એન્જિનની સરકારની ય નિષ્ફળતા @ મોદી મૂકપ્રેક્ષક, રાહુલ શાંતિ મિશન પર
Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.2 July,2023
છેલ્લા બે મહિનાથી ઇશાન ભારતના સીમાપ્રદેશના સંવેદનશીલ રાજ્ય મણિપુરમાં રાજધાની ઇમ્ફાલ વેલીમાં વસતી બહુમતી અને શાસક મૈતેઈ પ્રજા અને પહાડો-જંગલોમાં વસતી કુકી પ્રજા વચ્ચે હિંસક અથડામણોમાં અનેક લોકો માર્યા ગયા છે.અહીંના મહારાજા બોધચન્દ્ર સિંહ પણ મૈતેઈ જાતિના જ હતા અને અત્યારના “મહારાજા” લેઇશમ્બા સારાજાઓબા ભાજપના રાજ્યસભાના સભ્ય છે. મ્યાનમાર સાથે સરહદ ધરાવતા આ ભારતીય રાજ્યની દેશમાં ઉત્તરે નાગાલેંડ અને આસામ તેમ જ દક્ષિણે મિઝોરમ રાજ્યની સરહદ છે. મૃતકોનો સત્તાવાર આંકડો પણ ૧૩૨ને વટાવી ગયો છે. ૫૦,૦૦૦ જેટલાં લોકો રાહત છાવણીમાં રહેવા મજબૂર બન્યાં છે. મુદ્દો આદિવાસી તરીકે ગણાવવા માટેની બહુમતી મૈતેઈ પ્રજાની માંગ અને એને હાઇકોર્ટે માન્ય કરવાની દિશામાં ચુકાદો આપ્યા સામે આદિવાસી દરજ્જો ધરાવતી કુકી પ્રજાને પોતાનાં હિત જોખમાતાં લાગવાનો છે. મૈતેઈ જાતિ મહદઅંશે હિંદુ છે અને કુકી ખ્રિસ્તી છે.માત્ર ૮% મૈતેઈ મુસ્લિમ છે પરંતુ અહીંના સંઘર્ષને હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી ગણાવવામાં સત્તાધીશોની પણ સક્રિયતા હોવાનું જણાવાય છે. વર્તમાન ઘટનાક્રમમાં બંને બાજુની ખુવારી છતાં કુકી વધુ પ્રમાણમાં માર્યા ગયાના અહેવાલો મળે છે.કુકી અને મિઝો અને નાગા પ્રજા મહદઅંશે ખ્રિસ્તી ધર્મ પાળે છે. એમની વચ્ચે સંધાણ પણ છે છતાં સદનસીબે હજુ વર્તમાન સંઘર્ષમાં મિઝો કે નાગા બળવાખોરો સામેલ થયા નથી. ભાજપે ચૂંટણી જીતવા માટે કોની સાથે કેવાં સમાધાનો કર્યાં છે એ પણ મણિપુરમાં ચર્ચાનો મુદ્દો છે. ૬૦ સભ્યોની ધારાસભામાં ભાજપના ૩૭માંથી ૧૦ ધારાસભ્યો અલગ કુકીલેન્ડની માંગણી કરી રહ્યા છે. ખોબલા જેવડા મણિપુરમાંથી વધુ એક રાજ્યની રચનાની માંગણી કરવામાં આવે એ અત્યારે તો સત્તાધીશો સ્વીકારવા તૈયાર નથી.જોકે વિધાનસભામાં ૬૦ સભ્યોમાંથી ૫૪ સરકારના ટેકામાં છે. વિપક્ષમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ તથા મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કેશમ મેઘચન્દ્ર સિંહ (બંને મૈતેઈ જાતિના) સહિત કોંગ્રેસના ૫ (પાંચ) અને એક જનતાદળ (યુ)ના સભ્ય છે. વળી, મિઝોરમના નેતાઓ મણિપુરના કુકી પ્રદેશને સમાવીને બૃહદ મિઝોરમ રચવાની માંગણી પણ કરતા રહ્યા છે. મિઝો પ્રજા સાથે કુકી પ્રજાને નિકટનો વાંશિક સંબંધ છે. બૃહદ નાગાલેન્ડ કે ગ્રેટર નાગાલિમની માંગણી તો ઊભી જ છે. ઇશાન ભારતને ‘હેન્ડલ વિથ કેઅર’ કરવાની જરૂર છે. મણિપુર રાજ્યના માત્ર બે મુખ્યમંત્રી સિવાયના તમામ સર્વપક્ષી મુખ્યમંત્રી મૈતેઈ જાતિમાંથી આવે છે. તમામ ક્ષેત્રોમાં તેમનું આધિપત્ય છે. ઇશાન ભારતનાં સિક્કિમ સહિતનાં આઠેય રાજ્યોમાં ભાજપ કે ભાજપના મિત્રપક્ષોના નેતૃત્વવાળી સરકારો છે, પરંતુ ભાજપનાં તમામ મુખ્યમંત્રી અને મિત્રપક્ષના તમામ મુખ્યમંત્રી મૂળ કોંગ્રેસી જ રહ્યા છે. પક્ષપલટા કરાવીને અહીંનાં રાજ્યોમાં સરકારો રચવામાં ભાજપને સફળતા મળવા પાછળ કેન્દ્ર સરકાર નિયુક્ત રાજ્યપાલોનો સહયોગ ઘણો મળતો રહ્યો છે. ક્યારેક ભાજપના નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણી કહેતા રહ્યા છે તેમ ભાજપનું કોંગ્રેસીકરણ જોવા મળે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓ ક્યારે ઘરવાપસી કરે એ કહેવાય નહીં. હવે તો કર્ણાટક, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં તો જૂના સંઘી-જનસંઘી એવા વરિષ્ઠ ભાજપી નેતાઓ કોંગ્રેસ ભણી વળવા માંડ્યા છે એટલે દિલ્હીશ્વરની ચિંતા વધવી સ્વાભાવિક છે.
વડાપ્રધાન મ.પ્ર.માં વ્યસ્ત
રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં હિંસક અથડામણો રોકવામાં સફળતા મળી નથી. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની મુલાકાતે જઈ આવ્યા, દિલ્હીમાં પણ એમણે બેઠકો બોલાવી, લશ્કર ખડકી દેવામાં આવ્યું છે છતાં હિંસક અથડામણો રોકાવાનું નામ લેતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા-ઈજિપ્તના પ્રવાસે જાય એ પહેલાં અને પછી પણ મણિપુર વિશે રહસ્યમય મૌન સેવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક અવરોધની વચ્ચે પણ મણિપુરની ૨૯-30 જૂનની બે દિવસની મુલાકાતે જઈને રાહતછાવણીઓની મુલાકાત લેવા ઉપરાંત શાંતિની અપીલ કરતા રહ્યા. એમણે પોતે રાજકારણ ખેલવા આવ્યા નહીં હોવાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું. રાજ્યપાલ અનસૂયા ઉઈકેને મળીને પણ તેમણે અસરગ્રસ્તોને રાહતછાવણીઓમાં જરૂરી સુવિધા મળે એ માટે રજૂઆત કરી. સિવિલ સોસાયટીના લોકોને પણ એ મળ્યા. એ પછી મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે રાજનામું આપવા સંદર્ભે નાટકીય ઘટનાક્રમ આદર્યો. પક્ષમાં એમના વિરોધી રાજીનામું માંગે છે. એ રાજીનામું આપવા તૈયાર પણ થયા.એમ છતાં, એમના સમર્થકોના આગ્રહથી રાજીનામું આપવાનું માંડી વાળ્યું. રાજ્યપાલ ઉઈકેએ 30 જૂને શાંતિની અપીલ કરી છે, પરંતુ દિલ્હીથી આ દિશામાં સર્વોચ્ચ થકી હજુ મૂકપ્રેક્ષકની ભૂમિકા બધાને માટે અકળામણ સર્જે છે. વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જતાં પહેલાં પોતાના પક્ષના મણિપુરી ધારાસભ્યોને મુલાકાત આપતા નથી અને પાછા ફરીને મધ્યપ્રદેશના પ્રવાસે જઈને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં આ વર્ષે આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટક જેવી નાલેશી વહોરવી ના પડે એટલા માટે ભોપાલ અને શહડોલમાં જાહેર સભાઓ યોજીને વિધાનસભાની ચૂંટણી સાથે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો ય એજન્ડા ગોઠવી રહ્યા છે.
નેતાજી બોઝ અને મણિપુર
વર્ષ ૧૯૪૪માં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ (આઈએનએ) બર્મા (અત્યારનું મ્યાનમાર) સરહદેથી બ્રિટિશ લશ્કરી દળો સામે લડતાં લડતાં મણિપુરના અત્યારના બિષ્ણુપુર જિલ્લાના મોઈરંગ ખાતે પહોંચી કર્નલ શૌકત હયાત મલિકે ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. ઇમ્ફાલમાં આજે પણ નેતાજીનું સંગ્રહાલય છે. આ ગૌરવવંતા ઇતિહાસની આ ભૂમિમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ નેતાજીના આત્માને કણસાવે એવું છે. નેતાજીએ તમામ ધર્મોના સાથીઓને સામેલ કરીને અંગ્રેજો સામે જયારે જંગ છેડ્યો ત્યારે જાપાને એમને સમર્થન આપ્યું હતું, પરંતુ પાછળથી જાપાની લશ્કરે સહયોગ આપવાને બદલે પરત જવાના આદેશનું પાલન કરવાનું હતું ત્યારે પણ નેતાજીએ ટાંચાં સાધનો અને ખુમારીવાળા સ્વાતંત્ર્ય સૈનિકોના ટેકે લડવાનું ચાલુ રાખ્યું હતું. આંદામાન-નિકોબાર પર પણ એમણે કબજો મેળવ્યો હતો, પરંતુ ભારતીય ગદ્દારોના ટેકે બ્રિટિશ લશ્કર નેતાજીની દિલ્હી તરફની કૂચને વિફળ બનાવી હતી. ૭૯ વર્ષ પછી નેતાજીનું સ્મરણ કરાય છે, એમના જન્મદિવસને મનાવાય છે, એમની પ્રતિમાઓ સ્થાપિત થાય છે; પરંતુ નેતાજી બોઝની ફિલસૂફીને આચરણમાં લાવવાને બદલે કમનસીબે રાજકીય લાભ ખાટવા માટે જાતિઓ અને ધર્મો વચ્ચે વિખવાદો પેદા કરીને ય મતનાં તરભાણાં ભરવાના દાવપેચ ખેલાય છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ જુલાઈ,૨૦૨૩)
Manipur Burning and Niro Manipur Burning and Niro Reviewed by Dr.Hari Desai on July 04, 2023 Rating: 5

No comments:

Social Networks

Powered by Blogger.