Technology

The Father of Atom Bomb Opposed Hydrogen Bomb

અણુબોમ્બના જનક રોબર્ટ ઓપનહેમર થકી હાઇડ્રોજન બોમ્બનો વિરોધ   
 ડૉ.હરિ દેસાઈ

·         જુલાઈ ૧૯૪૫માં એટમ બોમ્બ શોધનાર ઓપીએ ૧૯૩૩માં સંસ્કૃત શીખી ભગવદ્ ગીતાનો અનુવાદ કર્યો
·         યહૂદી અમેરિકી વૈજ્ઞાનિકે ફરજના ભાગ રૂપે સર્જેલા દૈત્યના પરીક્ષણ ટાણે અધ્યાય-૧૧ના શ્લોકનું પઠન 
·         હિરોશિમા-નાગાસાકી પર ફેંકાયેલા વિનાશકારી બોમ્બ પહેલાં જ શોધકને એની વિનાશક્ષમતાનો અંદાજ
·         ઓપીનું દર્શન સાચું પડ્યું : બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ વિશ્વયુદ્ધ ઇચ્છતું નથી અને હિંમત પણ કરતું નથી

દુનિયાને સત્ય અને અહિંસાનો પાઠ ભણાવનાર મહાત્મા ગાંધીએ અંગ્રેજોને હિંદ છોડોની ૧૯૪૨ની હાકલ ૮ ઓગસ્ટે કરી અને ૧૯૪૨ના આ ઘટનાક્રમે બ્રિટિશ શાસકોને ઉચાળા ભરી જવા માટે વિચારવા પ્રેર્યા. ભારતના ભાગલા પાડીને ભારત અને પાકિસ્તાનની રચના  ઉપરાંત દેશી રજવાડાંને સ્વતંત્ર કરીને  ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ  બ્રિટિશ શાસકો  સ્વદેશ ચાલ્યા ગયા. એ પહેલાં ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આણવા માટે નિમિત્ત બનેલા અણુબોમ્બના જનક જે.(જુલિયસ) રોબર્ટ ઓપનહેમર (ઓપી) (૨૨ એપ્રિલ ૧૯૦૪-૧૮ ફેબ્રુઆરી ૧૯૬૭)ના અણુબોમ્બ અને એના સફળ પરીક્ષણને ભારત અને ભારતીય તત્વજ્ઞાન સાથે સીધો સંબંધ હોવાની હકીકતથી બહુ ઓછા લોકો વાકેફ હશે. યહૂદી ઓપનહેમર હાર્વર્ડમાં ભણતો હતો ત્યારથી એને હિંદુ ધર્મગ્રંથોમાં રસ પાડવા માંડ્યો હતો. એ બર્કલેમાં ભૌતિકશાસ્ત્રનો પ્રાધ્યાપક હતો ત્યારે વર્ષ ૧૯૩૩માં પ્રાધ્યાપક રાયડર પાસે સંસ્કૃત શીખ્યો.વલ્લભવિદ્યાનગરસ્થિત વી.પી.સાયંસ કોલેજના આચાર્ય રહી ચુકેલા અમેરિકા-વિદ્યાનગરનિવાસી ૮૯ વર્ષીય ભૌતિકશાસ્ત્રી પ્રા.આર.પી.પટેલ અણુબોમ્બના શોધકની મનોવ્યથા રજૂ કરતાં કહે છે : “ભારે જહેમત પછી ૧૬ જુલાઈ ૧૯૪૫ના રોજ એણે એટમબોમ્બનું ન્યૂ મેક્સિકોમાં સફળ પરીક્ષણ કર્યું ત્યારે ઓપનહેમરે હરખ કરતાં વેદનાનો ભાવ વ્યક્ત કરવા માટે ભગવદ ગીતાના  શ્લોકનું  જાહેર પાઠ (રિસાઈટ) કર્યો હતો. એણે પોતાની ફરજના ભાગરૂપે જ અણુબોમ્બ બનાવ્યો,પણ એને જાણ હતી કે એ દુનિયામાં વિનાશની લીલા પાથરશે. એટલેજ એણે ગીતાએ પ્રબોધેલા ઉપદેશને અનુસરીને  પોતાના થકી વિનાશિકાનું સર્જન થયાની ગ્લાનિ અનુભવી હતી.”
લિટલ બોય-ફેટ મેનથી વિનાશ
અમેરિકી હવાઈ ટાપુઓ પર્લ હાર્બર બંદર પર ૯ ડિસેમ્બર ૧૯૪૧ની અંધારી રાતે હુમલો કરીને યુદ્ધ જહાજો તોડવા ઉપરાંત ૨૪૦૩ અમેરિકીઓને મોતને ઘાટ ઉતારવાની અળવીતરાઈ ક્યારેક શાંતિનો આલાપ કરતા જાપાને કરીને  જ  અમેરિકાને  દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડાવા માટે  ફરજ પાડી હતી. કોરિયા અને ચીનમાં લશ્કરી અત્યાચારની સાથે જ પ્લેઝર વીમેનને નામે અમાનવીય ઐયાશી માટે નામચીન જાપાનની સાન ઠેકાણે લાવવા માટે ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ એક અમેરિકી બોમ્બર બી-૨૯ મારફત હિરોશિમા પર અણુબોમ્બ (“લિટલબોય”) ફેંકવામાં આવ્યો.આ બોમ્બની અસર એટલી વ્યાપક હતી કે તેનાથી લગભગ એક  લાખ ૪૦ હજાર લોકો માર્યા ગયા.આમ છતાં જાપાને શરણાગતિ સ્વીકારી નહીં એટલે ત્રણ દિવસ રહીને એટલેકે ૯ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ બીજો અણુબોમ્બ (“ફેટ મેન”) નાગાસાકી પર ઝીંકવામાં આવ્યો.એનાથી વધુ ૭૦ હજાર લોકો મરતાં જાપાનના હાંજા ગગડી ગયા. એણે શરણાગતિનું મન બનાવી લીધું. અહીં બે લાખ જાપાની અને ૧૨,૫૨૦ અમેરિકીઓના જાન ગયા. જાપાનના શહેનશાહ હિરોહિતોએ ૧૫ ઓગસ્ટના રેડિયો સંબોધનમાં શરણાગતિ જેવો શબ્દપ્રયોગ ના કર્યો,પણ યુદ્ધનું પરિણામ જાપાનની તરફેણમાં નહીં આવ્યાનું જરૂર કબુલ્યું.  વાસ્તવમાં ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના રોજ  શરણાગતિ સ્વીકારી.એ અંગેના લિખિત કરાર થયા. જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરના પોલેન્ડને ગપચાવવાના  સપ્ટેમ્બર ૧૯૩૯ના અટકચાળાથી  ઘટનાથી આરંભાયેલું દ્વિતીય વિશ્વયુદ્ધ છેક ૧૯૪૫માં સમાપ્ત થયું.
રોબર્ટ ઓપનહેમરનો સંસ્કૃતપ્રેમ
ગીતાનો  અંગ્રેજીમાં અનુવાદ પણ કરનાર ઓપનહેમરે ગીતાના તત્વજ્ઞાનમાંથી () ફરજ () નિયતિ અને () શ્રદ્ધાને પોતાના જીવનમાં આત્મસાત કર્યાનું અનુભવાય છે. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં આવેલા લોસ અલામોસમાં એટમબોમ્બ બનાવનાર પ્રયોગશાળાના નિયામક ઓપનહેમરે  ૧૬ જુલાઈ ૧૯૪૫ના રોજ ટ્રિનિટી ખાતે રણમાં આ બોમ્બના પરીક્ષણ વેળા અત્યંત પ્રકાશિત અગનગોળો જોયો ત્યાર પછી થોડાજ કલાકોમાં તેમના મનમાં હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતામાંના શબ્દો પ્રગટ્યા હતા:
कालोऽस्मि लोकक्षय कृत्प्रवृद्धो
लोकान् समहर्तुमिह् प्रवृत्तः ।
ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे
येऽवस्थिताः प्रत्यनीकेषु  योधाः ॥  
અર્થાત્
 કિશોરલાલ મશરૂવાળાના ગીતાધ્વનિમાંના  સમશ્લોકી અનુવાદ મુજબ,
છું કાળ ઊઠ્યો જગનાશકારી,
સંહારવા લોક અહીં પ્રવર્ત્યો;
તારા વિનાયે બચશે કોઈ
જે ખડા સૈનિક સામસામા.
(ભગવદ્ ગીતા અધ્યાય : ૧૧  શ્લોક : ૩૨)
પ્રા.પટેલ લખે છે કે ઓપનહેમરે ૧૯૩૦ના દાયકામાં ગીતાનો અનુવાદ શરૂ કર્યો ત્યારથી પશ્ચિમની દ્રષ્ટિએ હિંદુ સાહિત્યમાં ગીતાએ અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગીતાની લોકપ્રિયતા તથા અધિકારિતાની છેલ્લાં ૧૦૦૦ વર્ષોમાં કોઈ બરોબરી છે નહીં. ગીતાના અભ્યાસથી તેની માન્યતા બંધાઈ હતી કે વૈજ્ઞાનિકોએ જીવનના સંઘર્ષોમાંથી દૂર એવી શાંત સુરક્ષિત જગાઓનો ત્યાગ કરી નિ:સ્વાર્થથી પરંતુ અસરકારક રીતે કાર્ય કરવું જોઈએ.
બોમ્બ સાથેના સંબંધથી ખિન્ન
એકવાર અણુબોમ્બ કરતાં પણ વધુ ભયાનક હાઇડ્રોજન બોમ્બ બનાવવાની ભલામણ કરતી વખતે પણ ઓપનહેમરને નૈતિક ડર જરૂર લાગ્યો હતો. પરમાણુ શસ્ત્રો અખિલ માનવ જાતિનો કોઈ દિવસ સર્વનાશ કરે ખરાં, પરંતુ તે બીજા લોકોએ કરેલા નિર્ણયોને કારણે (અમેરિકી રાષ્ટ્રપતિઓ)અને નહીં કે ઓપનહેમરને કારણે. તેણે માત્ર તેનું કર્મ-જોબ-કર્યું હતું.પાછળનાંવર્ષોમાં તે તેના બોમ્બ સાથેના સંબંધથી ખૂબ ખિન્ન થયો હતો.બોમ્બનાં ભયાનક પરિણામોથી તે, માનવતાના દ્રષ્ટિબિંદુથી અપરાધભાવ અનુભવતો હતો, પરંતુ સાથેસાથે  તે બનાવવામાં અત્યંત મહાન સિદ્ધિનો સંતોષ પણ અનુભવતો હતો.તેના મૃત્યુના કેવળ થોડા મહિનાઓ અગાઉ, એટમિક બોમ્બિંગ વિશેનાં પરિણામો વિશે તેની દલીલો કેવળ લવારી જેવી હતી. કહેતો કેમારે કરવું જોઈતું હતું તે મેં કર્યું હતું તે અગત્યનું છે.” લોસ અલમોસમાં (અમેરિકામાં ન્યૂ મેક્સિકોમાં આવેલી ભોમકા અણુબોમ્બ વિકસાવવા માટેનું કેન્દ્ર રહી) તે નિર્ણય લઈને અમલમાં મૂકવા ઈચ્છતો હતો અને ગીતાની ફિલસૂફીએ તેમ કરવામાં તેણે મદદ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ વિશ્વયુદ્ધ ઇચ્છતું નથી અને હિંમત પણ કરતું નથી.ઓપીનું દર્શન સત્ય છે.સંયોગ તો જુઓ કે જે ઓપનહેમર અમેરિકાના ગૌરવનું પ્રતીક હતા એમણે હિરોશિમા અને નાગાસાકીની વિનાશલીલા પછી ૧૯૪૯માં અમેરિકી હાઇડ્રોજન બોમ્બની યોજનાનો વિરોધ કર્યો અને સરકારે એને હંગામી ધોરણે પડતી મૂકી ૧૯૫૨માં હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ તો કર્યું,પણ ઓપનહેમર અમેરિકી સરકાર માટે અનિચ્છનીય વ્યક્તિ અને સુરક્ષા જોખમ બની ગયાપ્રા.પટેલ કહે છે: “ભગવદ્ ગીતા અને અન્ય હિંદુ ગ્રંથો તરફના તેના પ્રેમને કારણે તેણે મેનહટન પ્રકલ્પના વડા તરીકે એટમબોમ્બના પ્રથમ પરીક્ષણ વખતના સ્થળ ટ્રિનિટી : ત્રિમૂર્તિની પસંદગી  કરી એણે  પણ સંયોગ કહેવાય.સર્જનહાર બ્રહ્મા,પાલનહાર વિષ્ણુ અને સંહારક શિવ બધાનો અહીં કેવો સંયોગ થયો કહેવાય!”                                         -મેઈલ : haridesai@gmail.com
ફોટોલાઈન : () અણુબોમ્બના સંસ્કૃતપ્રેમી જનક રોબર્ટ ઓપનહેમર (તસવીર સૌજન્ય: બેટમેન આર્કાઇવ્ઝ)
              () ઓપી (Oppie)ની યુદ્ધને રોગ કહેનાર એની(Einie) એટલેકે આલ્બર્ટ આઈનસ્ટાઇન સાથેની પ્રિન્સ્ટનની
                  ઐતિહાસિક “પશ્ચાતાપ” મુલાકાત ‘લાઈફ’માં પ્રગટ થઇ હતી 

અણુબોમ્બના સંસ્કૃતપ્રેમી જનક રોબર્ટ ઓપનહેમર (તસવીર સૌજન્યબેટમેન આર્કાઇવ્ઝ)

ઓપી (Oppie)ની યુદ્ધને રોગ કહેનાર એની(Einie) એટલેકે આલ્બર્ટ આઈનસ્ટાઇન સાથેની પ્રિન્સ્ટનની
                  ઐતિહાસિક “પશ્ચાતાપ” મુલાકાત ‘લાઈફ’માં પ્રગટ થઇ હતી 
The Father of Atom Bomb Opposed Hydrogen Bomb The Father of Atom Bomb Opposed Hydrogen Bomb Reviewed by Dr.Hari Desai on September 11, 2019 Rating: 5

No comments:

Social Networks

Powered by Blogger.